![](https://static.wixstatic.com/media/80b938_bf01f44a393b4fcd87e3dee478f84066~mv2.gif/v1/fill/w_980,h_980,al_c,usm_0.66_1.00_0.01,pstr/80b938_bf01f44a393b4fcd87e3dee478f84066~mv2.gif)
કોણ કહે છે કે સમયની કિંમત નથી.. સેકન્ડે સેકન્ડની કિંમત છે અહીં. આ છે, રેડિયોની દુનિયા. આ દુનિયાની જાહેરાતો પણ ગજબ હોય છે. અંદર બેઠા ક્રિએટિવીટી લાવનારા સાથે એક એવી પણ જ્ઞાતિ છે જે બહાર બેઠા રેડિયો ઉપર વગાડી શકાતી ક્રિએટિવીટી ઉપર કામ કરતા રહે છે. એ જ્ઞાતિ એટલે કૉપી રાઈટર્સની જ્ઞાતિ. ત્રણ પાનાની વાતને ત્રણ લીટીમાં દર્શાવતા લોકો, જે ક્લાયંટને એ સમજાવવામાં અસમર્થ છે કે "ત્રણ લીટી લખવામાં શું?"
ખેર, એડ્વર્ટાઈઝિંગ એજન્સીમાં કે ફ્રીલાન્સર તરીકે કાર્ય બજાવતા, આ લોકો માટે જિંગલ કે રેડિયો સ્પોટ લખવું ઈન્ટરેસ્ટિંગ તો હોય જ છે, સાથે ચેલેન્જીસથી ભરેલું છે. એક પ્રોડક્ટનાં ગુણ, કામ, તેને ખરીદવાનું આકર્ષણ આ તમામને લિસનર ગીતોની વચ્ચે આકર્ષાઈને સાંભળી શકે, તે રીતે એક થીમમાં પરોવી માત્ર ગણતરીની સેકન્ડમાં સમાવવાનું કામ સહેલું તો ના જ હોઈ શકે. આજે એક સામાન્ય વ્યક્તિ સમજી શકે એવું અને એટલું જ રેડિયો-જિંગલ માટે લખું છું. જેમ પહેલા કહ્યું એમ, ટૂંકુ લખવામાં જ કમાલ છે, બાકી લાંબુ લખવું સહેલું છે. આજે એ સહેલું જ કરું છું.
રેડિયો સ્પોટ તો જેમકે બોલચાલની ભાષા, કોઈનાં અવાજની મિમિક્રી અથવા કોઈ રસપ્રદ થીમ લઈ સ્ટૂડિયોમાં તૈયાર થઈ શકે, પણ એક જિંગલ બનાવવામાં બીજી એક પ્રવિણતા જાેઈએ. એટલી જ સેકન્ડમાં રાઈમ સાચવી, સંગીતનું ગણિત સાચવી, શબ્દે શબ્દો સમાવવાની કળા.
દરેક વખતે સૂચવવામાં આવેલા બધા જ મેસેજ જિંગલમાં આપવા શક્ય ના થઈ શકે. ત્યારે પ્રાયોરીટી પ્રમાણે મેસેજ પસંદ કરી ટાર્ગેટ ઓડિયન્સને હાલનાં સમયમાં કેવી રીતે વાત કહેવાથી તે ખુશ, આશ્ચર્યચકિત કે કૂતુહલવશ થઈ શકે એ ગોઠવવાનું કામ એટલે રેડિયો જિંગલ.
ગીતની સરખામણીએ જિંગલમાં સચોટ સિવાયનાં વધારાનાં શબ્દોને સ્કોપ નથી. (ને), (કે) જેવા નાનામાં નાના પણ નહીં. કારણ કે અહીં આખી લડાઈ સેકન્ડની છે. વળી આપણી આખી વાર્તામાં ક્લાયન્ટ અથવા તો પ્રોડક્ટ કઈ છે, તે પણ સાંભળનારનાં મગજમાં રોપાઈ જાય એ રીતે આવે અથવા એટલી વાર આવે તે અત્યંત જરુરી છે. કેટલીક એવી જિંગલ તમને યાદ હશે, જેનાં શબ્દો અને રાગ તમને ગમી ગયા હોય પણ મગજ પર જોર આપવા છતાં એ યાદ ના આવતું હોય કે એ બની, કઈ બ્રાન્ડ માટે છે. તો જિંગલ જાહેરાતની કસોટી ઉપર ખરી ઉતરી ગણાય નહીં.
એક જિંગલ લખવામાં પ્રોડક્ટની જરુરીયાત, કોમ્પિટીટર બ્રાન્ડની જિંગલ, રુટિન કરતા કંઈક અલગ બનાવી શકવાની મહેનત અને છેલ્લે આ બધું ગણતરીની સેકન્ડમાં સમાવી લેવાનું હુનર, આટલું જોઈએ. પણ આ તો થઈ અડધી વાત. આ લખ્યા બાદ વાત આવે છે તેના કંપોઝિશનની, તેમાં વપરાતા મ્યુઝિક ઈન્સ્ટ્રૂમેન્ટ્સની અને તેનાં સિંગરની. બ્રાન્ડની પોઝિશન પ્રમાણે તેના માટે બનાવેલ જિંગલમાં ફાસ્ટ, સ્લો, સૂધિંગ કેવા પ્રકારનું કંપોઝિશન જશે તે નક્કી થાય. પાછી આ તો અવાજની દુનિયા એટલે વિવિધ પ્રકારનાં અવાજ દ્વારા પણ ઘણી વાર મેસેજ કન્વે કરી શકાય. જેમકે એક લેક્સેટિવ બ્રાન્ડ માટે (સ્કૂટરની કિક વારંવાર મારવાનો અવાજ.. પછી બ્રાન્ડનું નામ.. ફલાણા લેક્સેટિવ, રાત્રે ૧ ચમચી અને સવારે.. સ્કૂટરનો જવાનો અવાજ.. ) બસ આટલામાં જ બધુ આવી ગયું. અને ક્યારેક ક્યારેક જિંગલનાં શબ્દો પ્રમાણે રચના થાય. જેમકે વધુ વાત હોય, તો રૅપ સોંગથી સમય બચાવી શકાય, પરંપરાની વાત હોય તો ફોક કંપોઝિશન બનાવી શકાય, બ્રાન્ડ જિંગલ હોય તો સૂધિંગ ફિલ્મનાં ગીતની જેમ ટ્રીટમેન્ટ આપી તેને સદા માટે યાદગાર બનાવી શકાય. ત્યારબાદ આવે ઈન્સ્ટ્રૂમેન્ટનો વારો. જિંગલમાં યોગ્ય પ્રકારનાં મ્યૂઝિકલ ઈન્સ્ટ્રૂમેન્ટથી તે વધુ અસરદાર અને યાદગાર બની શકે છે. જેમકે અગરબત્તીની બ્રાન્ડનાં જિંગલમાં ઘંટનાદ કે શંખનાદ ઉમેરી શકાય, ચા બ્રાન્ડમાં ફોકનો ટચ આપતા ઢોલ કે મંંજિરા વાપરી શકાય અથવા ખાદ્યતેલ જેવી બ્રાન્ડમાં ગિટારનો ઉપયોગ કરી પારિવારીક હૂંફ લાવવાનું કામ કરી શકાય. વળી ગાયકોની પસંદગી પણ કંપોઝિશનનાં આધારે નક્કી કરવાની હોય છે.
આ પ્રકારનાં કેટલાય મહત્વનાં તબક્કાઓ માંથી પસાર થાય છે, માત્ર ૩૦ સેકન્ડનું જિંગલ. ક્યારેય રેડિયો ઉપર કોઈ જિંગલ સાંભળતા વિચાર્યું છે, કે આ તૈયાર કરવામાં કેટલ કેટલા પાસા જોડાયેલા છે. આ આખી પ્રોસેસ છે તો મજાની.. પણ સજા જેવી ત્યારે લાગે જ્યારે કોઈ ક્લાયંટ આ મુદ્દાને સમજી જ ના શકે. આજ કાલ એફએમ વાળા જિંગલ ફ્રી બનાવી આપતા હોય છે. જેમાનાં કેટલાક ક્વૉલિટી આપતા હોય છે, પરંતુ મોટા ભાગનાં કોઈ રિસર્ચ કે પ્લાનિંગ વગર જિંગલ લખી, કોમ્પ્યુટર માંથી ફ્રી કંમ્પોઝિશન લઈ, તેની ઉપર કોઈ આરજે દ્વારા ગવડાવી ઓટો-ટ્યૂનિંગ કરી દેતા હોય છે. ક્લાયંટને તે ગમી જાય છે. જેનું મોટામાં મોટું કારણ, તેનું 'ફ્રી' હોવું જ હોય છે. બસ.. પછી શું ! આ જિંગલનું એકાદ મહિનાનું જીવન હોય છે, પછી નવી ઘોડી નવો દાવ.
ત્યાં બીજી તરફ ગોકુલ- વિવાન એડિબલ ઓઈલ જેવા ક્લાયંટ પણ હોય છે જે ક્રિએટિવીટીને પૂરો દરજજો આપે છે. એક સરસ મજાના ગીતને બોલિવૂડનાં ગાયકો પાસે ગવડાવે છે અને લાખેક રુપિયા જેટલો ખર્ચ કરી એક એવું મજબૂત જિંગલ બનાવડાવે છે, જે શાશ્વત બની જાય છે. એટલે કે એવર ગ્રીન... વર્ષો પછી પણ વાગે તો પણ એટલું જ ફ્રેશ લાગે. પણ આ પ્રકારનાં ક્લાયંટ કેટલા ? આંગળીનાં વેઢે ગણાય તેટલા.
ચાલો, આશા રાખીએ કે ગાડીમાં ફરતા, સવારે ઘરનું કામ કરતા કે રાત્રે લવરને યાદ કરતા જ્યારે રેડિયો સાંભળીએ ત્યારે ગીતોની સાથે આવનારી જાહેરાતનાં જોરને થોડું હળવું કરનાર જિંગલની મહત્તા પાછી આવે. તેને બનાવવાની પાછળ જે મજા અને મહેનત જાય છે, તે મહેનતને ધ્યાનમાં લેવાય અને તે મજા સાંભળનારને હંમેશા આવે.
બાકી આ કોરોનાંનાં સમયમાં વધુ શું કહી શકાય ! "હેલ્ધી હેપ્પીલી જીના હૈ, રુકના મના હૈ..."
Comments